ઢોલ-શરણાઇ

Dhol-sehnai, originally uploaded by Ashok Modhvadia.

અન્ય ગુજરાતી સમાજોની માફક મહેર સમાજમાં પણ ઢોલ અને શરણાઇ એ કોઇ પણ મંગળ પ્રસંગ કે તહેવારો માટે એક ખાસ જરૂરી વાદ્ય ગણાય છે. મહેરનો પ્રખ્યાત મણીયારો રાસ તો આ વાજીંત્રો વગર કલ્પી પણ ન શકાય. અહીં કોઇ લગ્નપ્રસંગે ઢોલ-શરણાઇ વાદકો પોતાની કલા રજુ કરતા જોવા મળે છે.

લાઠી-તલવાર દાવ

લાઠીદાવ
લાઠીદાવ

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી અને તેને જે કૌશલ્યપૂર્ણ રીતે ઘુમાવતા હોય છે તે દૃષ્ય જોવા લાયક હોય છે. કહે છે કે ઉસ્તાદ લાઠી ફેરવનારની ફરતી લાઠી સોંસરવો કરાતો પથ્થરનો ઘા પણ પાછો પડે છે. જો કે હાલમાં એક કલા ગણાતું આ કૌશલ્ય જુના સમયમાં જરૂરી યુધ્ધકૌશલ્ય માનવામાં આવતું, અને લગભગ તમામ લડાયક કોમોનાં યોધ્ધાઓએ આમાં પણ માહેર થવું જરૂરી ગણાતું. અહીં એક મહેર બાળક નાની ઉંમરથીજ આ કલા કૌશલ્યમાં પ્રવિણતા દર્શાવે છે. આ કલાનાં વધુ ચિત્રો અને જાણકારી આપને અહીં જોવા મળશે….

(ફોટો:રામભાઇ-મહેર એકતા)

નવરાત્રી

રાસની રમઝટ

નવલાં નોરતામાં મહેર સમાજની માતાઓ,બહેનો,કન્યાઓ પરંપરાગત વસ્ત્રો અને આભુષણો પહેરી અને રાસ  ગરબા રમતી હોય ત્યારે તેનો તાલ અને લય જોવા લાયક હોય છે. હાથથી તાલી પાડી અને રમાતો આ રાસ “રાસડો” કહેવાય છે. ઉપરનાં ચિત્રમાં મહિલાઓએ જે લાલ રંગનું વસ્ત્ર પહેરેલું છે તેને “ઢારવો” કહેવાય છે.  મહેર સમાજનાં નિયમ અનુસાર મોટાભાગેતો પરણિત સ્ત્રી, સાસરવાસમાં, લાલ રંગનો ઢારવો પહેરે છે, માવતરનાં ગામમાં પધારેલી પરણિત મહિલા આ વસ્ત્ર સફેદ રંગનું પહેરે છે.  જેને લોકબોલીમાં “ઘાંસીયું” કહે છે. મહિલાઓમાં ઢારવાની શાથે ચોલી વસ્ત્ર રૂપે પહેરાતું વસ્ત્ર “કાપડું” કહેવાય છે. અને શાથે માથા પર આછું ભાતીગળ “ઓઢણું” ઓઢવામાં આવે છે.

આ ચિત્રમાં ખાસ ધ્યાનપાત્ર આભુષણ ડોકમાં પહેરાતું, છેક કમર સુધી પહોંચતું “ઝુમણું”  છે. આ આભુષણ સોનાનું, લગભગ ૫૦ તોલા (૫૦૦ ગ્રામ)થી પણ વધારે વજનનું હોઇ શકે છે. આ ઉપરાંત મહિલાઓએ કાનમાં લટકણીયા રૂપે પહેરેલા આભુષણને “વેઢલા” કહેવાય છે. ….(ફોટો: રામભાઇ – મહેર એકતા)

વરરાજા

Maher Varraja

(આ જુના બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રને રંગીન બનાવેલું છે)

મહેર વરરાજાઓના પરંપરાગત પોષાક અને આભુષણો અહીં વિવિધ ચિત્રો દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરેલ છે. ઉપરોક્ત ચિત્રમાં વરરાજાએ માથા પર બાંધેલ “આંટીયાળી પાઘડી”  ખાસ જોવા લાયક છે, ફ્ક્ત લગ્નપ્રસંગે, વરરાજા જ આ પાઘડી રાતા રંગની બાંધે છે, જ્યારે અન્ય સમયે આ પાઘડીનો રંગ સફેદ હોય છે. આ પાઘડી બાંધવાની કળા હજુ ગ્રામ્ય વિસ્તારોમાં ગલઢેરા લોકો પાસે સચવાયેલી પડી છે, નવી પેઢીએ આ કળા હસ્તગત કરી અને સંસ્કૃતિનું જતન કરવામાં રસ દાખવવા જેવો છે.

ત્યાર બાદ ગળામાં ઉપર તરફ પહેરેલું નાનું સોનાનું આભુષણ “કાંઠલી” તરીકે ઓળખાય છે. આ આભુષણ લગભગ ૧૦ તોલા (૧૦૦ ગ્રામ) સોનાનું બનેલું હોય છે.  તેની નીચે પહેરેલું મોટું આભુષણ “મોહનહાર” તરીકે ઓળખાય છે. આ આભુષણ લગભગ ૨૫ થી ૫૦ તોલા (૨૫૦ થી ૫૦૦ ગ્રામ) સોનાનો બનાવાયેલો હોય છે.

મહેર વરરાજાઓને ડાબા ખભા પરથી જમણી તરફ લાલ રંગના કાપડનો પટ્ટો ખાસ બાંધવામાં આવે છે, જેને “વરફીંટીયો” કહે છે. છેડાછેડી બાંધતી વખતે ક્ન્યાની ચુંદડી શાથે આ ફીંટીયાના છેડાનીં ગાંઠ બાંધવામાં આવે છે. 

—————————————————————————

મહેર વરરાજા (ઘોડેસ્વાર)

મહેર વરરાજા (ઘોડેસ્વાર)

(ચિત્ર સાભાર: અમીત ઓડેદરા, યુ.કે.)

 આ ચિત્રમાં ખાસ એ જોઇ અને આનંદ થાય છે કે યુ.કે. માં વસતા આપણાં જ્ઞાતિજનો લગ્ન પ્રસંગે આવા સુંદર પારંપારિક વસ્ત્રાલંકારો ધારણ કરી, આપણી પરંપરા યાદ કરી અને આપણી સંસ્કૃતિને જીવતી રાખવામાં સિંહફાળો આપે છે. અહીં પણ વરરાજાનાં હાથમાં રહેલ તલવાર અને ગળામાં ધારણ કરેલ ઝુમણું ખાસ નોંધવા લાયક છે.  (…અપૂર્ણ)

મણિયારો રાસ

 Maniyaro Ras

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા અન્ય કોઇ ધાર્મિક સામાજીક પ્રસંગે મણિયારો રાસ રમવામાં આવે છે. આ રાસ ડાંડીયા રાસ તરીકે કે ડાંડીયા વગર પણ વિવિધતા પૂર્વક રમાય છે. જો કે તેના દરેક વૈવિધ્યમાં જુસ્સો અને શોર્યનું એકસમાન દર્શન થાય છે.  મણિયારો રાસ મોટાભાગે મહેર સમાજનો પારંપારીક પહેરવેશ, ચોરણી,આંગળી (કેડિયું) પહેરી અને રમાય છે. આ ચિત્રમાં યુવાનોએ ખભેથી જે રાતા રંગના પટ્ટા જેવું બાંધેલ છે તેને ફીંટીયો (વરફીંટીયો) કહે છે, જે મહેર વરરાજા માટે  ફરજીયાત હોય છે.  આ ચિત્રમાં રાસ રમતા યુવાનો એકજ સમયે ઠેક મારી અને હવામાં ઉડતા હોય તેમ જોવા મળે છે.  આ પ્રકારનું ચિત્ર લેવું તે પણ સચોટ ટાઇમીંગ માગી લે છે.

(ફોટો: વિસાવાડા રાસ મંડળ, ફોટોગ્રાફર: શકિલ મુન્શી)

=======================================================

મહેર રાસ

મહેર રાસ

મહેર સુપ્રિમ કાઉન્સીલ, પોરબંદર આયોજીત નવરાત્રી રાસોત્સવનું એક સુંદર દૃશ્ય.

(ફોટોગ્રાફર:રામભાઇ કડછા)

 

 

 

 

=======================================================